મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદ: સામાન્ય રીતે સરકારના બીજા વિભાગોની સરખામણીમાં પોલીસ વિભાગમાં કામ ચોરીનું પ્રમાણ ઓછું છે, કારણ પોલીસ જો પોતાની ફરજના સ્થળે  હાજર ના હોય તો તેની તરત અસર જોવા મળે છે, પરંતુ બિહારના પટના શહેરમાં 500 પોલીસવાળા છેલ્લા બે વર્ષથી નોકરી ઉપર આવતા ન્હોતા છતાં તેમની હાજરી પુરવામાં આવતી અને ઘરે બેઠા પગાર પણ મળતો હતો. બે  વર્ષ પછી આ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં બે અધિકારી સસ્પેન્ડ થયા, નોકરી નહીં કરનાર પોલીસનો પગાર રોકી દેવામાં આવ્યો છે.

પટના સેન્ટ્રલ રેન્જના ડીઆઇજી રાજેન્દ્રકુમારે પોલિસ લાઈનની ઓચિંતી મુલાકાત લીધી ત્યારે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો, 500 પોલીસવાળા બે વર્ષથી નોકરી ઉપર આવતા નહોતા, પણ તેના બદલે તેઓ પોતાનો અંગત ધંધો કરતા હતા, રાજેન્દ્રકુમારે પોલીસ લાઈનમાં હાજરી પુરવાનું કામ કરતા બે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા. જ્યારે ફરજ ઉપર ગેરહાજર રહેનાર પોલીસનો પગાર રોકી  દેવામાં આવ્યો છે. આ તમામ પોલીસ કોન્સ્ટેબલને તાત્કાલિક પોતાની ફરજના સ્થળે હાજર થઈ જવા આદેશ આપવામાં આવ્યો છે.