મેરાન્યૂઝ નેટવર્ક.જામનગરઃ જામનગર ગ્રામ્ય વિધાનસભાની પેટા ચૂંટણી પ્રક્રિયાને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. લોકસભાની સાથે જ આ પેટા ચૂંટણીમાં આજે કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેને લઈને કોંગ્રેસના મુરતિયા ઉમટી પડ્યા હતા અને પોત પોતાની પ્રોફાઈલ સાથે મજબુત દાવેદારી નોંધાવી હતી.

જામનગર ગ્રામ્ય બેઠક પરના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાઈ જતા આ બેઠક ખાલી પડી હતી. આમ તો કોંગ્રેસની કહી શકાય એવી આ બેઠકમાં છેલી બે ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે. પરંતુ સીટીંગ ધારાસભ્યના રાજીનામાને લઈને ચૂંટણી પંચ દ્વારા લોકસભાની સાથે આ બેઠક પર પણ પેટા ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. લોકસભાની સાથે ૨૩ એપ્રિલના રોજ વિધાસભાની ગ્રામ્ય બેઠક પર પણ ચૂંટણી યોજાશે, બીજી તરફ ભાજપા દ્વારા ચાર દિવસ પૂર્વે લોકસભાની સાથે વિધાનસભા બેઠક માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં આ જ બેઠક પર વલ્લભ ધારવિયા સામે હારી ગયેલા રાઘવજી પટેલ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ડૉ. પીબી વસોયા, પૂર્વ સાંસદ પુત્ર વીપુલ પટેલ, વિનોદ ભંડેરી, જાડાના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી દાવેદારી નોંધાવી હતી. જ્યારે કોંગ્રેસ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં દાવેદારોનો રાફડો ફાટ્યો હતો. આજે જસવંતસિંહ ભટ્ટી સહિતની ત્રણ સભ્યોની ટીમે જામનગર આવી ઉમેદવારોને સાંભળ્યા હતા. એક પછી એક એમ દાવેદારો આવતા જ રહ્યા અને કલાકો વીતતા ગયા હતા. શહેર પ્રમુખ ગીરીશ અમેથીયાથી શરુ થયેલી સેન્સ પ્રક્રિયા આખરે ૩૫ ઉમેદવારોને વટાવી ગઈ હતી, જેમાં જીલ્લા કોંગેસ પ્રમુખ જે ટી પટેલ, પ્રદેશ કોંગ્રેસ મંત્રી યુસુફ ખફી, જીલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, સહિતની દાવેદારી સામે આવી હતી. ૩૫ પૈકી પાંચ મહિલા દાવેદારો છે, જેમાં મુસ્લિમ મતદારોની ખાસ્સી સંખ્યા હોવાથી મુસ્લિમ દાવેદારોએ પોતાની મજબુત દાવેદારી રજુ કરી છે. આગામી સમયમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ નક્કી કરશે કે કોને ટીકીટ આપવી છે પરંતુ ઉમેદવારોનો રાફડો ફાટતા એવું ચિત્ર ઉપસી રહ્યું છે કે કોંગ્રેસ આ સીટને સેફ ગણે છે પણ સામા પક્ષે ભાજપ પણ રાજકારણનું કાચુ ખેલાડી નથી. તેથી કોને ટીકિટ મળે, કોણ નારાજ થાય, કોણ જીતે તે તમામ સવાલોનો જવાબ આવનારો સમય જ આપશે.