મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર વિરૂદ્ધ લોકસભામાં પ્રથમ વખત અવિશ્વાસનો પ્રસ્તાવ મુકવામાં આવ્યા બાદ આજે તેના પર સદનમાં ચર્ચા કરવામાં આવી હતી અને ત્યાર બાદ  મોડી રાત્રે વોટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મોદી સરકારે વિશ્વાસનો મત જીત્યો હતો.  જેમાં અવિશ્વાસના પ્રસ્તાવ વિરૂદ્ધ 325 જ્યારે અવિશ્વાસના સમર્થનમાં 126 મત પડ્યા હતા. આમ ભારે બહુમતિથી મોદી સરકાર સામે કરાયેલ અવિશ્વાસનો પ્રસ્તાવ ફેલ થયો હતો. આ સાથે જ લોકસભાની કાર્યવાહી આગામી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી હતી.  

સદનમાં વડપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ સારો મોકો છે કે અમને અમારી વાત મુકવાની તક છે. પરંતુ તેની સાથે વિકાસ પ્રત્યે વિરોધનો ભાવ પણ સદનમાં પ્રગટ થયો છે. હું સવારથી આશ્ચર્યમાં છું કે મતદાન પણ થયુ ન્હોતો અને તે (રાહુલ ગાંધી) મને અહીં આવી કહી રહ્યા હતા કે ઉઠો ઉઠો. પરંતુ આ બેઠક પરથી લોકો જ હટાવી શકે અને લોકોએ જ મને બેસાડ્યો છે. લોકશાહી પર ભરોસો રાખો. જે લોકો કહેતા હતા કે મારા 15 મિનિટના ભાષણથી ભૂકંપ આવી જશે અને મોદી ઉભા પણ નહીં રહી શકે. પરંતુ છેલ્લા ચાર વર્ષના વિકાસના કામોને લીધે આજે હું અહીં ઉભો પણ છું. કોંગ્રેસને સલાહ છે કે તમારા સાથી પક્ષોની પરીક્ષા લેવી હોય તો લો પણ અવિશ્વાસની દરખાસ્ત ન લાવશો. અમારી પાસે તો સવા સો કરોડ દેશવાસીઓનું સમર્થન હાંસલ છે. નરેન્દ્ર મોદીએ ચાર વર્ષમાં કાળાનાણા, ખેતી, બેકિંગ, રોજગારી સહિત ક્ષેત્રે કરેલ કામગીરીને સદનમાં ગણાવી હતી. નરેન્દ્ર મોદીએ કટાક્ષમાં કહ્યું કે ભગવાન શિવને પ્રાર્થના કરુ છું કે કોંગ્રેસને ભગવાન એટલી શક્તિ આપે કે વર્ષ 2019ની ચૂંટણી બાદ સદનમાં ફરી તેઓ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવે. લોન કૌભાંડ માટે પણ મોદીએ કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.

આ પહેલા દિવસે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને આરએસએસ પર કટાક્ષ કર્યા હતા. આમ છતાં તેઓ મોદી સામે ગુસ્સે નથી તેમ જણાવી નરેન્દ્ર મોદીને સદનમાં ગળે મળ્યા હતા.