અનિલ પુષ્પાંગદન (મેરાન્યૂઝ.ગાંધીનગર): ઉત્તર ગુજરાતમાં આવેલી છત્રાલ જીઆઈડીસીમાં રોજનો કરોડો રૂપિયાનો વેપાર થાય છે. આ ઔદ્યોગિક કંપનીઓનું લગભગ 4 દાયકા પહેલા એક એસોશિએશન બનાવવામાં આવ્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, છત્રાલ જીઆઈડીસીમાં એક જ રજીસ્ટ્રેશન નંબર પર ત્રણ એસોશિએશન ઊભા કરી દેવામાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો આર્થીક લાભ પણ લેવામાં આવ્યો હોવા છતાં જીઆઈડીસીનું ભ્રષ્ટ તંત્ર આ એસોશિએશનને બંધ કરાવવાની હિંમત પણ કરી શકતું નથી.

વર્ષ 1989માં છત્રાલ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એમ્પ્લોયર નામનું એક એસોશિએશન બનાવવામાં આવ્યું હતું અને આ એસોશિએશનને રજીસ્ટર કરાવીને 45 જી-4576 નંબરનો રજીસ્ટ્રેશન નંબર અપાયો હતો. આ જ સમયગાળામાં છત્રાલ જીઆઈડીસી એસોશિએશન પણ બનાવવામાં આવ્યું હતું તેમાં પણ આ જ નંબરનો ઉપયોગ રજીસ્ટ્રેશન માટે કરવામાં આવ્યો હતો. જે પછી એક વર્ષ બાદ છત્રાલ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એમ્પલોયર એસોશિએશનને બંધ કરી દેવામાં આવ્યું અને વર્ષ 1991માં છત્રાલ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એસોશિએશન શરૂ કરવામાં આવ્યું. આ ત્રણ એસોશિએશન માંથી એક માત્ર છત્રાલ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એમ્પ્લોયર એસોશિએશન જ રજીસ્ટ્રર થયેલું હોવા છતાં આ એસોશિએશનને જ બંધ કરી દેવામાં આવ્યું, પરંતુ જીઆઈડીસીના ચોપડે રજીસ્ટર એસોશિએશન છત્રાલ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીઝ એમ્પ્લોયર એસોશિએશન જ બોલે છે.

આ ત્રણેય એસોશિએશનમાં પ્રમુખ, ઉપ પ્રમુખ અને સેક્રેટરી તરીકે એક જ વ્યક્તિઓ છે. જેમાં પ્રમુખ તરીકે નટવરલાલ એમ. પટેલ, ઉપ પ્રમુખ તરીકે પ્રફુલ આર. તલસાણીયા અને સેક્રેટરી તરીકે જ્યોતિન્દ્ર એન. પટેલના નામનો ઉલ્લેખ કરાયેલો છે. છત્રાલ જીઆઈડીસીમાં બોગસ એસોશિએશન્સ ચાલતા હોવાની જીઆઈડીસીની વડી કચેરીમાં ફરિયાદ થતાં પ્રમુખ તરીકે નટવરલાલ પટેલ ખસી ગયા હતા અને વર્ષ 2008થી રમેશ પટેલ એસોશિએશનના પ્રમુખ તરીકે પદભાર સંભાળે છે.

જુન 2009માં ઈન્ડસ્ટ્રીયલ કોર્ટે છત્રાલ જીઆઈડીસી ઈન્ડસ્ટ્રીયલ એસોશિએશનના રજીસ્ટ્રેશન મુદ્દે સ્ટેન્ડસ કેન્સલનો હુકમ કર્યો હતો અને ગુજરાત હાઈકોર્ટે 6/10/2017ના રોજ ઈન્ડસ્ટ્રીયલ કોર્ટના હુકમને માન્ય રાખ્યો હતો.

ઈન્ડસ્ટ્રીયલ કોર્ટ તેમજ હાઈકોર્ટના આદેશ છતાં પણ જીઆઈડીસીનું ભ્રષ્ટ તંત્ર હજુ પણ ગેરમાન્ય એસોશિએશનને જ સાચુ ઠેરવી કામ કરી રહ્યા છે.