મેરાન્યૂઝ નેટવર્ક. સુરતઃ ડિંડોલીમાં એક જ દિવસમાં પાંચ વર્ષની બે બાળકી પર દુષ્કર્મ આચરવાની ઘટનાથી હચમચી ઉઠેલી અને સફાળી જાગેલી પોલીસે એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં પ્રતિદિન સાંજે ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર અને ફ્રેન્ડઝ ઓફ પોલીસ સહિત સામાજિક સંસ્થાના આગેવાનો રસ્તા વચ્ચે નીકળે છે. રસ્તા પર મળે તેવાં અઢીથી ત્રણ વર્ષની વયનાં બાળકોને શોધી તેને પોલીસ મથક પર લઈ જઈ તેના માતા-પિતાને શોધવાની કામગીરી કરે છે. છેલ્લા 20 દિવસમાં આ રીતે કુલ 19 બાળકો મળી આવ્યાં છે. જેમાંથી 17 બાળકોના માતા-પિતાને ખ્યાલ જ ન હતો કે તેનું બાળક ગુમ થયું છે. આ મુદ્દે લોકોમાં જાગૃતિ આવે તેવા પોલીસે કરેલાં અનેક પ્રયાસો સફળ રહ્યાનું એટલા માટે કહી શકાય તેમ છે કે મોટા ભાગના કિસ્સામાં લોકો જ રસ્તેથી પસાર થતી વખતે એકલા બાળકને જોઈ તો તુરંત જ તેને પોતાની સાથે લઈ પોલીસ મથક પર પહોંચે છે. 

પોલીસ કમિશનર સતીશ શર્માએ કહ્યું કે બાળકોને સલામત રાખવા માટે પોલીસે સામાજિક સંસ્થાના આગેવાનોને સાથે રાખી શહેરી-મહોલ્લામાં જઈ જઈ લોકોને જાગૃત કરવા માટે અનેક કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું છે. આ કામગીરી હાલ ચાલી જ રહી છે. જેના કારણે લોકોમાં જાગૃતિ આવી છે.

તેમણે કહ્યું કે પ્રત્યેક પોલીસ મથકમાં બે પોલીસ કર્મચારીની ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ ચાઇલ્ડ વેલ્ફેર ઓફિસર સાથે ફ્રેન્ડ્ઝ ઓફ પોલીસના કાર્યકરો તેમજ અન્ય સામાજિક સંસ્થાના કાર્યકરો સામેલ થાય છે અને આ પૂરી ટીમ પોત પોતાના પોલીસ મથક વિસ્તારના હદમાં પ્રતિદિન સાંજે બે ત્રણ કલાક બાઇક પર નીકળે છે. રસ્તામાં કોઇ એકલું બાળક નજરે પડે તો તુરંત જ તેને લઈ પોલીસ મથક પર પહોંચે છે અને તેના માતા-પિતાને શોધવાની કામગીરી હાથ ધરે છે. આ રીતે છેલ્લા 20 દિવસમાં કુલ 19 બાળકો અલગ અલગ પોલીસ મથક હેઠળના વિસ્તારમાંથી મળી આવ્યાં છે. જેમાંથી બે બાળકો ગુમ થયાની જાણ તેના માતા-પિતાએ પોલીસમાં કરી હતી. બાકીનાં 17 બાળકોના માતા-પિતાને તો ખ્યાલ જ ન હોત કે તેનું બાળક ગુમ થયું છે.

કઇ રીતે શોધે છે માતા-પિતાને?

બાળક મળી ગયા પછી પોલીસની ખરી કસોટી શરૂ થાય છે. કારણ કે બે અઢી કે ત્રણ વર્ષનું બાળક પોતાના માતા-પિતાનું નામ કે સરનામુ જણાવી શકતું નથી. તેવા સંજોગોમાં તેના માતા-પિતાને શોધવા કેમ? એ મૂંઝવણ પોલીસ અનુભવે છે. જેમાંથી રસ્તો કાઢવા માટે એક તો પોતાના પોલીસ મથક વિસ્તારની હદમાં બાળકને પોલીસની મોબાઇલ વાનમાં સાથે રાખી પોલીસ વિસ્તારે વિસ્તારે ઘૂમે છે અને આ બાળકના માતા-પિતા વિશે લોકોને પૂછે છે. આ રીતે માતા-પિતા સુધી પહોંચે છે. તો બીજો એક રસ્તો ફેન્ડ્ઝ ઓફ પોલીસના વોટ્સએપ ગ્રુપમાં બાળકનો ફોટો મૂકી માતા-પિતા શોધવાની કામગીરી કરવામાં આવે છે. આ રીતે પણ અનેક માતા-પિતા મળ્યા છે.

લોકો પણ ખૂબ જ જાગૃત થયા છે

છેલ્લા 20 દિવસની પોલીસની આ કામગીરીમાં લોકોની જાગૃતિ ખૂબ મોટા પ્રમાણમાં હોવાનું સપાટી પર આવ્યું છે. મોટા ભાગના કિસ્સામાં લોકો જ રસ્તેથી પસાર થતી વખતે કોઈ બાળકને જોઈ જાય તો તેને સાથે રાખી પોલીસ મથક પર પહોંચે છે. જો લોકોની આ જાગૃતિ અવિરત ચાલુ રહી તો બાળકો પર થતાં અત્યાચારના ગુનામાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

સૌથી વધુ ડિંડોલી-લિંબાયતમાંથી બાળકો મળ્યાં

પોલીસે કરેલી કામગીરી તરફ દૃષ્ટપાત કરીએ તો સૌથી વધુ બાળકો ડિંડોલી અને લિંબાયતમાંથી મળી આવ્યાનું સ્પષ્ટ થાય છે. ડિંડોલીમાંથી બે બાળકી અને ત્રણ બાળક મળી કુલ પાંચ બાળકો આ રીતે મળી આવ્યા છે. જ્યારે લિંબાયતમાંથી પાંચ બાળકી અને બે બાળક મળી આવ્યા છે. એટલે કે કેલુ 19માંથી 12 તો માત્ર આ બે પોલીસ મથક વિસ્તારમાંથી મળી આવ્યાં છે. રાંદેરમાંથી બે બાળકીને બાદ કરતાં બાકીનાં પોલીસ મથક ઉધના, લાલગેટ, કતારગામ, સચિન, સચિન જીઆઇડીસીમાંથી એક એક બાળક મળ્યું છે.