મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે ચાર્જ સંભાળતા ની સાથે જીલ્લાના વિવિધ શહેરી અને ગ્રામ્યવિસ્તારના પોલિસ અધિકારીઓ અને કર્મચારીઓ બદલીનો ગંજીપો છિપાવાનું ચાલુ કર્યું છે. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ સતત પોલીસવડા દ્વારા થઈ રહેલી બદલીઓનુ ગણિત સમજવામાં થાપ ખાઈ રહ્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે.

ત્યારે સાગમટે ૧૮૦ પોલીસ કર્મચારીઓની  બદલીના ઓર્ડર કરી જીલ્લા પોલીસતંત્રમાં ભારે ઉલટફેર કરવામાં આવતા વારંવાર કરાતી બદલીઓ સામે અનેક પ્રશ્નાર્થ પેદા થયા છે.

બુધવારે, અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતા અને પોલીસ કર્મચારીઓની નિષ્ફળ કામગીરી સામે કડક પગલાં ભરાતા સાગમેટે ૧૮૦ કર્મચારીઓની બદલીના આદેશ થતા પોલીસ કર્મચારીઓમાં ભારે દોડધામ મચી હતી. ફરજ પરના સ્થળ પરથી તાત્કાલિક છુટા કરવાના અને બદલીના સ્થળે તાત્કાલિક હાજર થવાના આદેશ પગલે પોલીસ કર્મચારીઓ માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શૈક્ષણિક સત્ર શરુ થયાના બે દિવસની અંદર પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ થતા તેમના બાળકોની અભ્યાસ પર અસર પડવાની સંભાવના પેદા થાય તેમ છે. શાળાઓ બદલવાની નોબત પેદા થતા પોલીસ કર્મચારીઓ સહીત પરિવારજનો અને બાળકોમાં પણ ચિંતા જોવા મળી હતી.