મેરાન્યૂઝ નેટવર્ક, રાજકોટ: સ્વચ્છ ભારત મિશન હેઠળ મનપાએ વિવિધ પ્રકારની કામગીરી આદરી છે. જે અંતર્ગત શહેરના 18 ટોયલેટને મોર્ડન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં લેડીઝ ટોયલેટમાં સેનેટરી નેપકીન, વેન્ડિંગ મશીન, એર ફ્રેશનર, હાથ ધોવા માટે લીક્વીડ ડીસ્પેન્સર, હાથ સુકવવા માટે હેન્ડ ડ્રાયર ઉપરાંત પેપર નેપકીન સહિતની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ ગઈકાલે આ તમામ ટોયલેટની મુલાકાત લઈ ત્યાં લોકોને અપાતી સેવાઓ અને સુવિધાઓની સમીક્ષા કરી હતી.

મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતા સ્વાભાવિક રીતે જાહેર ટોયલેટ સ્વચ્છતા અને સ્વાસ્થ્યની બાબતમાં નાગરિકોને જાગૃત થવાનો સંદેશ આપે છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર ટોયલેટ બનાવાયા છે. જે પૈકીના 18 લેડીઝ ટોયલેટને મોર્ડન સ્વરૂપ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ તમામ ટોયલેટમાં ફર્શ તેમજ દિવાલો એકદમ ચોખ્ખા ચણાંક રાખવા સહિત સંકુલમાં ફૂલછોડનો વ્યવસ્થિત ઉછેર અને જાળવણી કરવામાં આવશે.

આ ઉપરાંત અહીં એર ફ્રેશનર, લીક્વીડ ડીસ્પેન્સર, હેન્ડ ડ્રાયર અને પેપર નેપકીનની સુવિધા અપાશે. બાળકો માટે ઓછી ઉંચાઈના ટોયલેટ અને વોશ બેઝીન, સહિત લેડીઝ ટોયલેટમાં સેનેટરી નેપકીન વેન્ડિંગ મશિન અને તેના યોગ્ય નિકાલ માટેની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે. એટલું જ નહીં અહીં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની જળસંચય ફેસિલિટી, નવી રેવન્યુ ઉભી કરવા માટે જગ્યાનો યોગ્ય ઉપયોગ, તેમજ પ્રત્યેક પબ્લિક ટોયલેટ નવી રેવન્યુ ઉભી કરી પોતાનું સંચાલન અને જાળવણી કરી શકે તે માટેની ગોઠવણ પણ કરવામાં આવનાર હોવાનું તેમણે કહ્યું હતું. 

જાણો ક્યાં-ક્યાં ટોયલેટને બનાવાશે મોર્ડન

1. રેસકોર્સ રિંગ રોડ પર ઇન્કમ ટેક્સ ઓફિસ સામે

2. ગેલેક્સી સિનેમા સામે

3. ફ્ન વર્લ્ડ પાસે

4. રેસકોર્સ મેદાનની અંદર

5. જ્યુબિલી ગાર્ડન સામે

6. શાસ્ત્રી મેદાન પાસે

7. મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે

8. 80 ફૂટ રોડ પર સોરઠીયાવાડી સર્કલ પાસે

9. કાલાવડ રોડ પર કે.કે.વી. હોલ પાસે

10. પ્રેમ મંદિર પાસે

11. નાનામવા રોડ પર લક્ષ્મીનગર હોકર્સ ઝોન પાસે

12. મવડી મેઈન રોડ પર વિશ્વેશ્વર મંદિર નજીક

13. કુવાડવા રોડ પર ગ્રીન લેન્ડ ચોકડી પાસે

14. આશ્રમ રોડ પર ડ્રેનેજ ઓફિસ પાસે

15. કુવાડવા રોડ પર વોર્ડ ઓફિસ પાસે

16. રેલ્વે સ્ટેશન રોડ

17. યુનિવર્સિટી રોડ પર પંચાયતનગર ખાતે

18. રેસકોર્સ આર્ટ ગેલેરી પાસે