મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાત રાજ્યના ૧૮૨માંથી ૧૪૧ ધારાસભ્યો કરોડપતિ છે. જેમાં ભાજપના ૮૪, કોંગ્રેસના ૫૪, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ૨ અને એનસીપીના ૧ ધારાસભ્યો કરોડપતિ હોવા છતાં આ ધારાસભ્યોના પગારમાં કરાયેલા ધરખમ વધારા સામે પ્રજામાં ભારે આશ્ચર્ય સાથે રોષ પ્રવર્તી રહ્યો છે. સરેરાશ રૂપિયા ૮.૪૬ કરોડની સંપત્તિ ધરાવતા ગુજરાતના ધારાસભ્યોમાં ભાજપના ૯૯ ધારાસભ્યો પાસે રૂપિયા ૧૦.૬૪ કરોડ, કોંગ્રેસના ૭૭ ધારાસભ્યો પાસે રૂપિયા ૫.૮૫ કરોડ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ૨ ધારાસભ્યો પાસે રૂપિયા ૨.૭૧ કરોડ તેમજ ૩ અપક્ષ ધારાસભ્યો પાસે રૂપિયા ૫૩.૮૬ લાખની સરેરાશ સંપત્તિ છે.

ગુજરાત વિધાનસભામાં ખેડૂતોના દેવા માફી અને મોઘવારી સહીત પ્રજાના પ્રશ્નો અંગે ચર્ચા કરવા ભેગા થયેલા સરકાર અને વિપક્ષ ધ્વારા કદાચ પોતાના ધારાસભ્યોને પણ વિશ્વાસમાં લીધા સિવાય પગારમાં જંગી વધારો કરી દીધો છે. ધારાસભ્યોએ દર મહીને રૂપિયા ૧.૧૬ લાખ તેમજ મંત્રીઓ, વીપક્ષ નેતા, અધ્યક્ષ-ઉપાધ્યક્ષએ રૂપીયા ૧.૩૨ લાખનો પગાર પોતાની જાતે જ  ખિસ્સામાં સેરવી લીધો છે. પરંતુ વાસ્તવમાં ખેડૂતો કે સામાન્ય પ્રજાને મોઘવારીથી જેટલી રાહતની જરૂર છે તેટલી આ જનપ્રતીનીધીઓને નથી. કારણ કે, ૭૭ ટકા ધારાસભ્યો તો કરોડપતિ છે. જયારે ગુજરાતના ૧૮૨ ધારાસભ્યોમાં ૧૦ કરોડથી વધુ  સંપત્તિ ધરાવતા ૩૩, ૫-૧૦  કરોડમાં ૨૩, ૧થી ૫ કરોડમાં ૮૫, ૨૦ લાખથી ૧ કરોડ  સુધી ૩૭ તેમજ રૂપિયા ૨૦ લાખથી ઓછી સંપત્તિ માત્ર ૪ ધારાસભ્યો ધરાવે છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) દ્વારા ગુજરાત વિધાનસભાની ગઈ ચૂંટણીના પરિણામ બાદ આ ધારાસભ્યોના સોગંદનામાંના આધારે જાહેર કરાયેલી વિગતો પ્રમાણે ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો સરેરાશ રૂપિયા ૮.૪૬ કરોડની સંપત્તિ ધરાવે છે. જેમાં ભાજપના ૯૯ ધારાસભ્યો પાસે રૂપિયા ૧૦.૬૪ કરોડ, કોંગ્રેસના ૭૭ ધારાસભ્યો પાસે રૂપિયા ૫.૮૫ કરોડ, ભારતીય ટ્રાયબલ પાર્ટીના બે ધારાસભ્યો પાસે રૂપિયા ૨.૭૧ કરોડ તેમજ ૩ અપક્ષ ધારાસભ્યો પાસે રૂપિયા ૫૩.૮૬ લાખની સરેરાશ સંપત્તિ છે.

ગુજરાત વિધાનસભા-૨૦૧૨ની ચૂંટણી બાદ ૧૮૨ ધારાસભ્યો પાસે સરેરાશ રૂપિયા ૮.૦૩ કરોડ સંપત્તિ હતી. તેમાં ડિસેમ્બર-૨૦૧૭થી રચાયેલી વિધાનસભાના ધારસભ્યોની સંપત્તિમાં વધારો થઇ સરેરાશ ૮.૪૬ કરોડ થઇ છે. આ નવા ધારાસભામાં ભાજપના ૯૯માંથી ૭, કોંગ્રેસના ૭૭માંથી ૧૦ ધારાસભ્યોએ ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કર્યું નથી. તો ભાજપના ૮ અને કોંગ્રેસના ૪ ધારાસભ્યોએ તે વખતે એફિડેવિટમાં આવકનો સ્ત્રોત દર્શાવવાનું ટાળ્યું હતું.

આ વિગતો પ્રમાણે ૧૮૨ ધારાસભ્યોમાં ટોપ ૧૦માં બે મહિલાઓ સહીત ભાજપના ૮ અને કોંગ્રેસના ૨ ધારાસભ્યો કરોડોના આસામી છે. જેમાં ભાજપના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સૌથી વધુ રૂપિયા ૧૨૩ કરોડની સંપત્તિ ધરાવે છે. આ પછી ભાજપના વઢવાણના ધનજીભાઇ પટેલ ૧૧૩. ૪૭ કરોડ અને કોંગ્રેસના જવાહર ચાવડા ૧૦૩.૬૭ કરોડની સંપત્તિ ધરાવે છે. જયારે પબુભા માણેક (દ્વારકા-ભાજપ) ૮૮.૪૨ કરોડ, સંતોકબહેન આરેઠિયા (રાપર-કોંગ્રેસ) ૮૨.૦૨ કરોડ, રમણ પટેલ (વિજાપુર-ભાજપ) ૫૬.૫૬ કરોડ, કાંતિભાઇ બલાર(સુરત ઉત્તર-ભાજપ) ૫૩.૯૯ કરોડ, પરસોતમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય-ભાજપ) ૪૫.૯૯ કરોડ, વલ્લભ કાકડિયા (ઠક્કરબાપા નગર- ભાજપ) ૩૫.૩૮ કરોડ તેમજ ડો. નીમા આચાર્ય (ભૂજ-ભાજપ) ૩૪.૭૪ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. જયારે સૌથી ઓછી સંપત્તિ ધરાવતા ધારાસભ્યોમાં માત્ર રૂપિયા ૧૦.૨૫ લાખ સાથે વડગામના અપક્ષ ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી છે.