મેરાન્યૂઝ નેટવર્ક, તુતીકોરિન: તમિલનાડુના તુતીકોરિનમાં વેદાંતા સ્ટરલાઇટ કોપર યુનિટ વિરૂદ્ધ ચાલી રહેલ વિરોધ પ્રદર્શન આજે મંગળવારે હિંસક બનતા પોલીસ સાથેના ઘર્ષણમાં 11 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘવાયા છે.

તમિલનાડુના તુતીકોરિનમાં સ્ટરલાઇટથી થનારા પ્રદૂષણને બંધ કરવા સ્થાનિક લોકો ઘણા મહિનાથી અહીંયાના સ્ટરલાઇટ કોપર યુનિટનો વિરોધ કરી રહ્યાં હતા. પોલીસ સાથેના ઘર્ષણમાં 11 લોકોના મોત થતા સમગ્ર શહેરમાં તણાવની સ્થિતિ પેદા થઇ છે. પોલીસે આ વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મદ્રાસ હાઇકોર્ટના આદેશ અનુસાર સ્ટરલાઇટ કોપર યુનિટને સુરક્ષા આપવામાં આવી રહી છે.

દરમિયાન તમિલનાડુ સરકારે વિરોધ પ્રદર્શનમાં મોતને ભેટનાર લોકોના પરિવારજનોને દસ લાખ રૂપિયાની સહાય તથા સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને ત્રણ લાખ રૂપિયા વળતર અપાશે. તમિલનાડુ સરકારે આ ઘટનાની તપાસ માટે એક આયોગની રચના પણ કરી દીધી છે.

તમિલનાડુની આ ઘટનાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્ટેટ સ્પોન્સર્ડ આતંકવાદ ગણાવી. રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું કે તમિલનાડુના સ્ટરલાઇટ પ્રોટેસ્ટમાં લોકોને પોલીસની ગોળીએ મારી નાખવા સ્ટેટ સ્પોન્સર્ડ આતંકવાદનું ઉદાહરણ છે. અન્યાય વિરૂદ્ધ દેખાવો કરવા પર આ નાગરિકોની હત્યા કરવામાં આવી.