મેરાન્યૂઝ નેટવર્ક, સુરતઃ કેન્દ્ર સરકાર દ્વારા ભારત માળા પ્રોજેક્ટ અંતર્ગત સુરતના ટ્રાફિક ભારણમાં ઘટાડો કરવા માટે વધુ એક 100 કિલોમીટરનો ગ્રીનફિલ્ડ રિંગ રોડ તૈયાર કરવાની જાહેરાત કરવામાં આવી છે. મંગળવારે  સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રના માર્ગ પરિવહન મંત્રી મનસુખ માંડવિયાએ કીમ અને પલસાણાના ગોળાર્ધમાં બનનારા રૂ. 2000 કરોડના રિંગ રોડ અંગે પત્રકાર પરિષદમાં પ્રોજેક્ટ અંગે માહિતી આપી હતી.

ભારત સરકારના કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતું કે, આગામી 50 વર્ષની વસ્તીને ધ્યાનમાં લઈને સુરતનો વિકાસ અને  હાલના ટ્રાફિકના ભારણમાં ઘટાડો કરવા માટે રીંગરોડ બનાવવાનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. સુરત અને નવસારીના સાંસદની રજુઆત બાદ સરકાર દ્વારા ભારત સરકારની ભારત માળા યોજના અંતર્ગત ગુજરાતમાં પ્રથમ ‘ગ્રીનફિલ્ડ’ રીંગરોડ સુરત ખાતે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ રીંગરોડ હાલમાં બની રહેલા આઉટર રીંગરોડથી 15 કિલોમીટર દૂર તૈયાર કરવામાં આવશે. આ કામ અંગે ડી.પી.આર. બનાવવાનું કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. વધુમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, આ રીંગરોડના નિર્માણથી શહેરની માળખાકીય સુવિધામાં ખૂબ મોટો ઉમેરો થશે તથા ઔદ્યોગિક વિકાસમાં નવી દિશા ખુલશે.