મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણી પહેલા નારાજ સવર્ણ મતદારોને રીઝવવા માટે કેન્દ્ર સરકાર દ્ધારા સવર્ણો માટે આર્થિક રીતે ૧૦ ટકા અનામત આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કેબિનેટની મળેલી બેઠકમાં લેવાયેલા આ નિર્ણય પ્રમાણે વાર્ષિક ૮ લાખથી ઓછી આવક કે ૫ એકરથી ઓછી જમીન જેવા ૬ માપદંડો સાથે અપાનારા લાભ અંગે સાંસદમાં બીલ લાવવામાં આવશે. આ માટે આવતીકાલે પુરૂ થઇ રહેલું સાંસદનું શિયાળુ સત્ર બે દિવસ લંબાવવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્ધારા દેશભરના સવર્ણ સમાજને ૧૦ ટકા અનામત આપવાની જાહેરાત કરવામાં આવી છે. આજે કેન્દ્રીય કેબિનેટમાં લેવાયેલા આ નિર્ણયનો સૌપ્રથમ શૈક્ષણિક સ્તરે કરવામાં આવશે. ત્યારબાદ ક્રમશ: સરકારી નોકરીમાં તેનો લાભ આપવા માટે નિર્ણય કરવામાં આવશે. છેલ્લે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખનાર ભાજપને ખાસ કરીને સવર્ણ સમાજની નારાજગીનો ભોગ બનવું પડ્યું હતું. કોંગ્રેસે પણ આ નિર્ણયને આવકારી કહ્યું કે, લોકસભાની આગામી ચૂંટણી પહેલા સવર્ણ મતદારોને રીઝવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો PAASના આગેવાનો એ હજુ તેને લોલીપોપ ગણાવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્ધ્રારા કરાયેલા આ નિર્ણય અંગે સાંસદમાં બીલ લાવવામાં આવશે. જેમાં કેબીનેટ બેઠકમાં આજે જ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ સાંસદનું શિયાળુ સત્ર આવતીકાલે સમાપ્ત થતું હોવાથી તેને બે દિવસ લંબાવી બુધવારે આ વિધેયક લાવવામાં આવશે. જો કે, લોકસભામાં આ બીલ પસાર થયા બાદ પણ રાજ્યસભા માટે હવે આગામી સત્રની રાહ જોવી પડશે. જયારે આ બીલમાં સવર્ણોને ૧૦ ટકા અનામત માટે વાર્ષિક રૂપિયા ૮ લાખની આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ  ઉપરાંત પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા હોવા સાથે મકાન વગેરેમાં કુલ છ માપદંડો પણ નિયત કરવામાં આવ્યા છે.