મેરાન્યૂઝ નેટવર્ક, દાવોસ: એક તરફ ગરીબી હટાવવાની વાતો અને બીજી તરફ અમીરો વધુને વધુ અમીર બનતા જઈ રહ્યા હોવાનો માહોલ તૈયાર થઇ ગયો છે. તેનો જ એક બોલતો પુરાવો છે પાછલા વર્ષે ભારતની જે સંપત્તિ વધી તેનો લગભગ ૭૩% હિસ્સો દેશના ૧ % ધનિકોના હાથમાં છે. સોમવારે જાહેર થયેલા એક સર્વેક્ષણનાં પરિણામોમાં આ હકીકત સામે આવી છે. આ સર્વેક્ષણ એમ બતાવે છે કે, ક્યાંક આપના દેશના આર્થિક વિકાસમાં જે વિસંવાદીતતા છે તે જોતા હજી દેશમાંથી ગરીબી દૂર કરવાની વાત તો દૂર છે પરંતુ આર્થિક અસમાનતાનાં જે  આંકડા આ સર્વેક્ષણમાં સામે આવ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે.

એક સર્વે મુજબ દેશની ૬૭ કરોડ ભારતીયોની સંપત્તિમાં માત્ર ૧% જ વધારો થવા પામ્યો છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં વાર્ષિક સંમેલનની શરૂઆત થવાના થોડાક કલાકો પહેલા ઇન્ટરનેશનલ રાઈટ્સ ગ્રૂપ ઓક્સ્ફેમ તરફથી જાહેર થયેલા એક સર્વેનાં પરિણામોમાં જાણવા મળ્યું હતું કે, આ આંકડો દેશના સૌથી ગરીબ એવા વર્ગના લોકોનો છે જે દેશની આબાદીનો અડધો હિસ્સો છે.

જ્યારે આ પરિસ્થિતિ વિશ્વ સ્તરે તેના કરતા પણ વધુ ભયાનક દેખાય છે. સર્વે મુજબ પાછલા વર્ષે દુનિયાની સંપત્તિમાં જે વધારો થયો તેનો ૮૨% હિસ્સો માત્ર ૧ ટકા ધનિક વર્ગના હાથમાં લાગ્યો છે. જ્યારે વિશ્વના ૩.૭ અબજ લોકોની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો જોવા મળ્યો નથી. જો અંદાજ બાંધવા બેસીએ તો ગરીબ લોકોની આ વસ્તી વિશ્વના લગભગ અડધા ભાગની થાય છે.

ટૂકમાં, એમ કહી શકાય કે, વિશ્વ સ્તરે આજે સંપત્તિમાં વધારો જરૂર થયો છે, પરંતુ તે વધારો સુસંગત અને જે રીતે આર્થિક અસમાનતા ઘટાડવામાં મદદરૂપ થવો જોઈએ તેટલો મદદરૂપ થયો નથી.