મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ: બિટકોઇન કેસમાં સીઆઈડી ક્રાઈમને થાપ આપી રહેલા અમરેલી ક્રાઈમ બ્રાન્ચના ઈન્સપેક્ટર અનંત પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અડાલજ પાસેથી ઝડપી લીધા હતા. સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે ઈન્સપેક્ટર અનંત પટેલને કોર્ટ સામે રજુ કરી 14 દિવસના પોલીસ રીમાન્ડની માગણી કરતા જણાવ્યુ હતું કે શૈલેષ ભટ્ટના વોલેટમાંથી 12 કરોડના બિટકોઇન કાઢી લીધા પછી કોના વોલેટમાં તે ટ્રાન્સફર થયા હતા અને અનંત પટેલે પોતાના તાબાના સ્ટાફને મુંબઈ કઈ તપાસ માટે મોકલ્યા હતા.
સીઆઈડી ક્રાઈમના ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ સૈયદે અનંત પટેલને કોર્ટમાં રજુ કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરતા રિમાન્ડના 11 કારણો આપ્યા હતા. જેમાં તેમણે કોર્ટને જણાવ્યુ હતું કે જેમની ધરપકડ થઈ છે તેવા બે પોલીસ કર્મચારીઓ પોતાના નિવેદનમાં જણાવે છે કે તેઓ અનંત પટેલની સુચનાથી મુંબઈ ગયા હતા. પરંતુ અનંત પટેલ વિરોધાભાસી નિવેદન આપી રહ્યા છે. અનંત પટેલે અમરેલી જિલ્લો પોતાના સ્ટાફ અને ત્રણ સરકારી વાહનો સાથે કેમ છોડ્યો તેની તપાસ કરવાની છે. જ્યારે ટ્રાન્સફર થયેલા બિટકોઇન ક્યા વોલેટમાં ટ્રાન્સફર થયા તેની તપાસ કરવાની છે.
આ કાવતરુ ક્યા ઘડાયુ અને તેમાં કોણે મદદ કરી હતી તેની પૂછપરછ કરવાની છે. અનંત પટેલ ઘટના વખતે કોની કોની સાથે સંપર્કમાં હતા તેની તપાસ માટે તેમની તપાસ જરૂરી છે. શૈલેષ ભટ્ટ માટે તેમણે એક ખોટી અરજી ઉભી કરી હતી તે કેવી રીતે થઈ તેની તપાસ કરવાની છે. શૈલેષ ભટ્ટ પાસે ઈન્સપેક્ટર અનંત પટેલની ઓળખ પરેડ કરાવવાની છે. આ ઉપરાંત ગુનો નોંધાયા પછી અનંત પટેલ ક્યાં ક્યાં ગયા અને તેમને કોણે આશ્રય આપ્યો તેની પણ તપાસ કરવાની બાકી છે. અનંત પટેલ પોતે પોલીસ અધિકારી છે અને દસ વર્ષથી કાયદો જાણે છે જેના કારણે પોલીસને તપાસમાં સહકાર આપતા નથી તેમજ તેઓ જાહેર સેવક હોવા છતાં તેમણે ગેરકાયદે કરેલા કામની તપાસ માટે 14 દિવસના પોલીસ રીમાન્ડ જરૂરી છે. કોર્ટે પોલીસની દલીલ સાંભળ્યા બાદ સાત દિવસના પોલીસ રીમાન્ડ ઉપર અનંત પટેલને સોંપવાનો હુકમ કર્યો છે.